ગુજરાતીમાં કુલ 42 બેતાલીસ મુળ અક્ષરો છે. એમાં આઠ સ્વરો અને બાકીના 34 વ્યંજનો છે.
સ્વર અને વ્યંજન-ભેદ
સ્વર એ સ્વતંત્ર ધ્વની છે અને તેના ઉચ્ચાર માટે એ કોઈનો ઓશીયાળો નથી. કોઈ પણ સ્વર સ્વતંત્ર રીતે બોલી શકાય છે.
જ્યારે ક્ થી લઈને ળ્ સુધીના બધા જ વ્યંજન સ્વતંત્ર રીતે બોલી શકાતા નથી ! વ્યંજનને પુર્ણ રીતે ઉચ્ચારવા માટે સ્વરનો આશરો લેવો જ પડે છે. આપણે જ્યારે ક કે ન બોલીએ છીએ ત્યારે ક્ + અ મળીને ક થાય છે. ‘કાન’ એવો શબ્દ બોલવા માટે ક્ + આ તથા ન્ + અ એમ ઉચ્ચાર કરવાના થાય છે. અર્થાત્ ક્ + અ = ક થાય છે. વ્યંજન એકલો કદી ઉચ્ચારી શકાતો નથી ! તમે પ્રયત્ન કરી જુઓ, અ ને ભેળવ્યા વીના આખો ક બોલી જુઓ !! જીભ કંઠ પાસે જ અટકી જશે !
સ્વરની બીજી ખુબી જે છે કે તેના ઉચ્ચાર વખતે હવા ક્યાંય પણ રોકાતી નથી તેને જ લીધે સંગીતમાં જ્યારે આલાપ લેવાના આવે ત્યારે સ્વરનો જ આશરો લેવાય છે કારણ કે એને ઉચ્ચારવામાં હવાને ક્યાંય કરતાં ક્યાંય અટકાયત થતી જ નથી.
આપણે જેને કક્કો કહીએ છીએ તે ક થી જ્ઞ સુધીના અક્ષરોમાં ક્ષ અને જ્ઞ બંને હકીકતે ક્શ અને ગ્ન હોઈ એની ગણના સ્વતંત્ર વ્યંજનો તરીકે થતી નથી. એ જ રીતે ઐ અને ઔ એ બંને સ્વરો પણ અ + ઇ અને અ + ઉ મળીને થતાં હોઈ એને પણ સ્વતંત્ર સ્વર ગણાતા નથી.
હવે આપણે જેને બારાખડી [બાર અક્ષરી] કહેતાં આવ્યાં છીએ તે ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં. ક: એ બાર અક્ષરો પણ શીખવા પુરતા જ છે. આપણા આઠમા-નવમા ધોરણના ગુજરાતી અભ્યાસક્રમ મુજબ સ્વરો આઠ જ હોઈ બારાખડીને બદલે આઠાખડી કહી શકાય.
કક્કાને જે રીતે શીખવવામાં આવે છે તે કોઠો જો ધ્યાનથી જોઈશું તો આપણે આપણી માતૃભાષા માટે અત્યંત ગૌરવ અનુભવી શકીશું !!! જાણવું છે ? એ કોઠા વીષે ? જાણવી છે એની અજબની શાસ્ત્રીયતા ? તો જુઓ –
ક | ખ | ગ | ઘ | ङ [કંઠના સ્થાને જીભ અટકે ]
ચ | છ | જ | ઝ | ञ [તાળવા પાસે જીભ અટકે ]
ટ | ઠ | ડ | ઢ | ણ [મુર્ધ સ્થાને જીભ અટકે ]
ત | થ | દ | ધ | ન [દાંતના સ્થાને જીભ અટકે ]
પ | ફ | બ | ભ | મ [ હોઠના સ્થાને હવા અટકે ]
અહીં સુધી તો બરાબર છે પણ ખરી મજા તો દરેક લાઈનમાંના પાંચેય અક્ષરોની જે ગોઠવણી થઈ છે તેની શાસ્ત્રીયતા છે. એની વીગતો જાણીને તો દંગ જ થઈ જવાય તેવું છે !! આ એક-બે બાબતોમાં જ આપણી ભાષા અંગ્રેજી વગેરે કરતાં કેટલી બધી શાસ્ત્રીય રીતે ગોઠવાઈ છે તેની જાણ થાય છે……
ઘોષ-અઘોષતથાઅલ્પપ્રાણ-મહાપ્રાણઅક્ષરોનીઅદ્ભુતગોઠવણી !!
–જુગલકીશોર.
ગયા લેખમાં આપણે આપણા કક્કા માટે જે ગૌરવની વાત કરી હતી તેના અનુસંધાનમાં આજે એક સરસ વાત મુકી રહ્યો છું. આ વાત છે આપણા કક્કાની ગોઠવણી પાછળનું શાસ્ત્રીય સ્વરુપ.
આ કક્કો જે રીતે બોલાય છે તેનો ક્રમ જોઈશું તો આપણને સાચ્ચે જ આશ્ચર્ય થશે. આ કક્કામાં પાંચેય લાઈનોની આડી-ઉભી રચનાઓમાં ત્રણ મહત્ત્વના વીભાગોનો સમાવેશ થાય છે. એક મુખ્ય વીભાગ છે ઘોષ-અઘોષ વ્યંજનોનો; બીજો છે અલ્પપ્રાણ-મહાપ્રાણ અક્ષરોનો અને ત્રીજો છે અનુસ્વારોનો. આમાંના પ્રથમ બન્નેને આજે એકસાથે જોઈ લઈએ….
અઘોષ સ-ઘોષ
==========/ =========/
અલ્પ- મહા- અલ્પ- મહા-
પ્રાણ પ્રાણ પ્રાણ પ્રાણ અનુસ્વાર
====/====/=====/=====/=======/
ક ખ ગ ઘ ङ [કङ्ઠ્ય ]
ચ છ જ ઝ ञ [તાલવ્ય ]
ટ ઠ ડ ઢ ण [મુર્ધન્ય ]
ત થ દ ધ न [દંત્ય ]
પ ફ બ ભ म [ઓષ્ઠ્ય ]
સહપાઠીઓ, આ કોઠો જ આપણને મુગ્ધ બનાવી મુકનારો મેં કહ્યો હતો ! એને જરા ઝીણવટથી જોઈને યાદ રાખવા પ્રયત્ન કરશો તો મઝા પડશે.
સૌથી પ્રથમ જોઈએ તો આ પાંચ પાંચ અક્ષરોની પાંચેય આડી લાઈનો જીભની અને હોઠની અટકાયતને કારણે ઉચ્ચારાતા વ્યંજનોની છે જે આપણે જોઈ ગયાં છીએ. હવાની અટકાયત જ્યાં જ્યાં થાય છે તે સ્થાનના નામ પ્રમાણે તે તે અક્ષરોને ઓળખવામાં આવે છે.
પરંતુ ઉભી લાઈનો જે છે તે દરેક ઉભી લાઈનમાં આવેલા અક્ષરોના કુલ ત્રણ પ્રકારો બતાવે છે.
પ્રથમ બે ઉભી લાઈનો અઘોષ અક્ષરોની છે જેને આપણે બોલ્ડ કર્યા નથી. બીજી બે લાઈનો સ-ઘોષ અક્ષરોની છે જે બોલ્ડ અક્ષરોમાં છે. આ થયો પ્રથમ પ્રકાર. ઘોષ અને અઘોષ અક્ષરોનો.
બીજો પ્રકાર છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ અક્ષરોનો. બંને ઉભાં ખાનાંમાં [ઘોષ ખાનું અને અઘોષ ખાનું] પ્રથમ ઉભી લીટી કે જે ઈટાલીક અક્ષરોમાં છે તે અલ્પપ્રાણ અક્ષરોની છે જ્યારે બીજી ઉભી લીટીના અક્ષરો કે જે ઈટાલીકમાં નથી. આ બંને મુખ્ય ખાનાંઓમાંની બન્ને પ્રથમ લાઈનોનો રંગ એક સરખો છે વાદળી છે જ્યારે બીજી બન્નેનો રંગ લાલ રંગનો છે.
આ કોઠાનો ત્રીજો પ્રકાર અનુસ્વારોનો છે જેને વીષે આત્યારે વાત કરવાની નથી.
અઘોષ – સઘોષઅક્ષરો :
કોઈપણ અક્ષરને ઉચ્ચારતી વખતે કાનમાં આંગળીઓ ભરાવીને જરા મોટેથી બોલશો, સહપાઠીઓ ? જુઓ, અઘોષ ખાના નીચેના કોઈ પણ અક્ષરને કાનમાં આંગળીઓ ભરાવીને બોલો અને ઘોષ ખાનાના પણ કોઈપણ અક્ષરને એ જ રીતે ઉચ્ચારી જુઓ. તમને બંને વચ્ચે સ્પષ્ટ ભેદ સંભળાશે !! સઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે ગળાનો હૈડીયો વધુ ઘેરો અવાજ કાઢશે જ્યારે અઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે હૈડીયો શાંત જેવો જણાશે ! આ બે ભેદને લીધે બે ભાગ પડ્યા તે સમજાયું હશે.
અલ્પપ્રાણ – મહાપ્રાણ :
એ જ રીતે હવે એક નવી રમત કરી જુઓ : અઘોષ-સઘોષ બન્ને ખાનાંઓમાની એક જ રંગની આડી લાઈનમાંથી કોઈપણ અલ્પપ્રાણ વીભાગના અક્ષરને ઉચ્ચારો દા.ત. પ્રથમ આડી લાઈનમાંનો અલ્પપ્રાણનો ક ઉચ્ચારો. હવે ક ને જ ઉચ્ચારવાનો છે પરંતુ આ વખતે ક ને ઉચ્ચારતી વખતે ગળામાંથી હવા [પ્રાણ]ને વધુ જોરથી ફેંકવાની છે.
યાદ રાખો કે બોલવાનો તો છે ફક્ત ક ! પરંતુ પહેલી વાર સાધારણ હવા ફેંકવાની છે જ્યારે બીજી વાર હવા જોરથી ફેંકવાની છે !! એ જ રીતે ચ નો ઉચ્ચાર કરી જુઓ. એક વાર ઓછી હવા ફેંકો અને બીજી વાર વધુ અને જોરથી હવા ફેંકતાં જ ચ નો ઉચ્ચાર કરો.
તમે ગમે તેટલી કોશીશ કરશો તો પણ વધુ હવા ફેંકતી વખતે તમે ક કે ચ બોલી જ નહીં શકો !! હવા વધુ ફેંકતાં જ ક નો ખ થઈ જશે અને ચ નો છ થઈ જ જશે !!! આ છે મહાપ્રાણનો જાદુ !
અહીં હું અટકું છું. પણ આ પાંચેય આડી-ઉભી લાઈનો શા માટે ગોઠવાઈ છે ?! શા માટે ક પછી ખ ને મુક્યો છે, અને ચ પછી છ ને જ મુક્યો છે ?! ક અને ગ ની તથા ખ અને ઘ ની વચ્ચે શું સંબંધ છે ?!
આ બધા સવાલોની ચર્ચા આવતે વખતે ! ત્યાં સુધી કચ્ચા પાપડ, પક્કા પાપડની આ રમત સૌ કોઈ [અલબત્ત કોઈ ન જુએ એ રીતે] કરશો તો મારી આ મહેનત ફળશે.
વીરામચીહ્નો વીષે ખાસ
ભલે વીરામચીહ્નો આપણે પશ્ચીમમાંથી લીધાં પણ જ્યારે એને અપનાવ્યાં ત્યારે એની સંખ્યા ઘણી વધુ હતી. આ ચીહ્નો શરુઆતમાં આપણે ત્યાં ઉપયોગમાં લેવાતાં તે બધાં કાંઈ વીરામચીહ્નો ન હતાં. વાક્યમાં, લખાણોમાં આવતી બધી નીશાનીઓને આપણે શરુઆતમાં તો વીરામચીહ્નોમાં જ ખપાવી દીધી હતી. પછી તેમાં સમય જતાં કેટલાક વીદ્વાનોએ ફેરફાર સુચવ્યા અને એમ ધીમે ધીમે વીરામચીહ્નોની સંખ્યા મર્યાદીત થતી ગઈ.
અનેક વીદ્વાનોએ આ વીષય પર જે ગ્રંથો લખ્યા તેમાં નીચેનાનો સમાવેશ કરી શકાય :
શ્રી જોસેફ વી. ટેલરે લખેલા પુસ્તક “ગુજરાતી ભાષાનું વ્યાકરણ” ઉપરાંત શ્રી હ.દ્વા.કાંટાવાળા તથા શ્રી લા.ઉ.ત્રવાડી દ્વારા લખેલું પુસ્તક “ નવું ગુજરાતીભાષાનું વ્યાકરણ” ; શ્રી કમળાશંકર પ્રા. ત્રિવેદી કૃત “ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ” ; ડૉ.કે.બી.વ્યાસના”ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર” ; શ્રી મનસુખલાલ ઝવેરી કૃત “ ગુજરાતી ભાષા : વ્યાકરણ અને લેખન” તથા શ્રી કે.કા. શાસ્ત્રી કૃત “ગુજરાતી ભાષાલેખન”
વીરામચીહ્નો જેમ અંગ્રેજીમાંથી આવ્યાં એ ખરું પરંતુ એનો અર્થ આપણે બરાબર અપનાવ્યો જણાતો નથી ! અંગ્રેજી શબ્દ ‘પંક્ચ્યુએશન’ અને ગુજરાતી શબ્દ ‘વીરામચીહ્નો’ વચ્ચે ઘણો તફાવત જણાય છે ! અંગ્રેજી શબ્દ પંક્ચ્યુએશનનો અર્થ મુળ લેટીન મુજબ ‘એ પોઈન્ટ’ એવો થાય છે જ્યારે આ શબ્દના અર્થમાં રહેલી વીભાવના જોઈએ તો તે આ મુજબ વ્યક્ત થાય છે :
1] અર્થની સ્પષ્ટતા માટે ભાષામાં વીરામચીહ્નો મુકવાં;