PRAFULKUMAR N.PALA

Gujarati Bhajan

Gujarati Bhajan

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના 
 નિષ્કુળાનંદ

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી;
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી? — ત્યાગ..

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી;
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી. ? — ત્યાગ..

કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી. ? — ત્યાગ..

ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી;
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય આકાર જી. — ત્યાગ..

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી;
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી. — ત્યાગ..

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી;
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી— ત્યાગ..

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી,
ગયું ધૃત –મહી - માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી. — ત્યાગ..

પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી;
નિષ્કુળાનંદ એ નરનો, વનસમજ્યો વૈરાગ જી. — ત્યાગ

બ્રહ્માનંદ સ્વામી        

રે શિર સાટે નટવરને વરીએ        

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ;   
રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;
એ હરિ સારુ માથું ઘોળ્યું.    
રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ;
ત્યાં મુખપાણી રાખી મરીએ ..રે શિર.. 
રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
તે શું જીવે ભૂંડું મુખ લઈને.. રે શિર..
રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ;
જો ચડીએ તો કટકા થઈ પડીએ.. રે શિર..
રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.. રે શિર.. 

 

દયારામ 
       શ્યામ રંગ            

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં  કાળાશ   તે  તો  સૌ  એકસરખું,  સર્વમાં   કપટ   હશે  આવું….  મારે..    
કસ્તુરી   કેરી     બિંદી   તો  કરું   નહીં,  કાજળ  ના આંખમાં   અંજાવું….  મારે…
કોકિલાનો  શબ્દ હું  સુણું  નહીં  કાને,  કાગવાણી   શકુનમાં  ન  લાવું….  મારે…
નીલાંબર   કાળી  કંચુકી   ન   પહેરું,  જમનાનાં   નીરમાં  ન   ન્હાવું….  મારે… 
મરકતમણિ   ને  મેધ   દ્રષ્ટે   ના   જોવા,  જાંબુવંત્યાક    ના   ખાવું….  મારે… 
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે  ‘પલક ના  નિભાવું!’… મારે…

નરસિંહ મહેતા 

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..
પવન તું, પાણી તું, ભૂધરા!
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એજ આશે..
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે..
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે..
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એજ પાસે,
ભણે નરસૈયો એ મન તણી શોધના,
પ્રીત કરૂં,  પેમથી પ્રગટ થાશે..
નરસિંહ મહેતા

 

 

 

હરિને ભજતાં


હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા  શામળિયા સાથ,  વદે વેદ વાણી રે.
વહાલે  ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને  આપ્યું રાજ, રાવણ  સંહાર્યો રે.      હરિને…
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.    હરિને…વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
પંચાળીનાં  પૂર્યાં  ચીર,  પાંડવકામ  કીધાં  રે.       હરિને…
વહાલે આગે  સંતોનાં કામ, પૂરણ  કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે.    હરિને…
 

હરિ વસે છે હરિના જનમાં

હરિ વસે છે હરિના જનમાં,
શું કરશો જઈ વનમાં… ટેક
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
જોગ કરો ભલે જગન કરાવો,
પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિ વસે છે હરિના જનમાં… હરિ..

મીરાંબાઈ

 

કહત કબીર

અધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની અનિવાર્યતા વિશે સંત કબીર કહે છે…
ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ…
ભ્રાંતિ કી પહાડી  નદિયા બિચમેં  અહંકાર કી લાટ…
કામ  ક્રોધ  દો  પર્વત  ઠાડે   લોભ  ચોર  સંઘાત…  
મદ મત્સરકા મેહ બરસત  માયા પવન બહે  દાટ…
કહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરના યહ ઘાટ…
સંત કબીર 
                
કૃષ્ણ-રાધા - પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી
      ને ચાંદની તે રાધા રે,
આ સરવર જલ તે કાનજી
      ને પોયણી  તે  રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી 
      ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
       ને  કેડી ચડે  તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
      ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
      ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
        ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી
     ને નજરું જુએ તે રાધા રે! 

-  પ્રિયકાંત 
( સૂના સરવરિયાને કાંઠડે - અવિનાશ વ્યાસ
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા - અવિનાશ વ્યાસ ) તો એ ગીતોમાં એમનો અવાજ એવો તો એકાકાર થઇને આપણા સુધી પહોંચે છે કે - જાણે એક જ વ્યક્તિનો સ્વર હોય..!

 

 

સ્વર : વિરાજ - બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

 

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…

નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વુંદાવનમાં…

વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વુંદાવનમાં…

મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ
મનમાં માનિની વિમાસણ થાયે
હુંથી છાની બીજા છે મુકુટ માંહે
બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી
દયા પ્રભુ જય જય જય… વુંદાવનમાં…


 

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય

સ્વર : વિભા દેસાઇ અને વૃંદ
કવિ : ?
સ્વરકાર : ?

 

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારું ને ——— વિંઝાય

હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા
પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય…

જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
માડી તારી ———માં ઘંટારવ થાય

જાગો માં.. જાગો માં..
જગભરમાં ઘંટારવ થાય..
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય

માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારું ને ——— વિંઝાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય…
ઘંટારવ થાય…
ઘંટારવ થાય…

તાલીઓના તાલે - અવિનાશ વ્યાસ

નવરાત્રી અને ગરબાની જ્યાં વાત થતી હોય, ત્યાં અવિનાશ વ્યાસને યાદ કર્યા વગર ચાલે? કેટલાય ગુજરાતીઓ માટે અવિનાશ વ્યાસનું સંગીત એ જ ગુજરાતનું લોકસંગીત છે.

આમ તો પૂનમની રાત ને થોડા દિવસની વાર છે, પણ આવુ મજાનું ગીત સાંભળવા માટે કંઇ પૂનમની રાહ જોવાય?

સ્વર : ગીતા દત્ત અને વૃંદ

 

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

- અવિનાશ વ્યાસ

જય જય બોલો આનંદે અંબે માતની રે

સંગીત : દિપક અંજારીઆ
સ્વર : દિપક અંજારીઆ, પરાગ અંજારીઆ, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા

 

 

જય જય બોલો આનંદે અંબે માતની રે
અંબે માતની રે બહુચર માતની રે
ચાંચર ચોકની રે
ગબ્બર ગોખની રે..

પાવાગઢમાં છે મહાકાળી
શંખલપૂરમાં બહુચર વાળી
આરાસુરની રાણી અંબે માતની રે

ગોખમાં ગબ્બરમાં હિંચકા ખાયે
ભક્તોને એ દર્શન આપે
શોભે સિંહની સવારી અંબે માતની રે

રાચે નાચે તાળી પાડે
ગરબા ગાયે સખી સંગાથે
સખીઓ ઝીલે તાળી અંબે માતની રે

ખણખણ ખંજરી વાગે
ઘમઘમ ઘમઘમ ઘૂઘરી વાજે
સઘળે પ્રસરે જ્યોતિ અંબે માતની રે
 tag this | permalink | trackback url | comments(0)

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

સ્વર : હેમુ ગઢવી  

 

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો